જેસરમાં ૭૫મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની આન,બાન,શાન સાથે કરવામાં આવી.
જેસરમાં ૭૫મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની આન,બાન,શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.બ.ગો.મહેતા વિદ્યાલય ખાતે યોજાયેલી ઉજવણીમાં હતી.
જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ તિરંગાને સલામી આપી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું.દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે.આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ.દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન મારી માટી મારો દેશ,કળશ યાત્રા,વિકસીત ભારત સંકલ્પ યાત્રા અને સ્વચ્છતા અભિયાન થકી દેશ ૨૦૪૭ માં વિકસીત ભારતની સંકલ્પના તરફ આગળ વધી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ ન્યુ ગોલ્ડ હાઇસ્કુલ,બ.ગો.મહેતા વિદ્યાલય,રામનગર કે.વ.શાળા,કુમાર કન્યા શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
કલેકટરશ્રીએ જેસર તાલુકાનાં વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણીને અર્પણ કર્યો હતો.આ ઉપરાંત કલેકટરશ્રી અને મહાનુભાવોએ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
અશ્વ દળ,મહિલા પોલીસ,જિલ્લા પોલીસ,એન.સી.સી.કેડેટ્સ તેમજ હોમગાર્ડના જવાનો,ઘોડેસવાર યુનિટ,મ્યૂઝિક પ્લાટુન,એન.સી.સી.કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી.આ પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડન્ટશ્રી મનિષાબેન દેસાઈ એ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગારીયાધારનાં ધારાસભ્યશ્રી સુધીરભાઈ વાઘાણી,આગેવાનશ્રી આર.સી.મકવાણા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,જેસર પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી રવિકુમાર ઢીવરે,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ,પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર શ્રી ડી.એન.સતાણી,મહુવા પ્રાંત અધિકારીશ્રી ઈશિતા મેર,જેસર મામલતદારશ્રી હિરેન મૈસુરીયા આમંત્રિત મહેમાનો,પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ,વિદ્યાર્થીઓ,ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.