GujaratReligious

ચાંમુડા માતાજી ચોટીલા રાત્રે કોઈ ના રોકાઈ શકે કારણ કે…

Spread the love

મિત્રો આજે અમે તમને જણાવીશું ચોટીલા મંદિર નો ઇતિહાસ જે કદાચ તમે નહિ જાણતા હોય. ચોટીલા શહેર રાજકોટ થી ૪૫ અને અમદાવાદ થી ૧૯૦ કિલોમીટર દૂર આવેલું છે.ચોટીલા શહેરમાં ચામુંડા માતા નો એક પર્વત આવેલો છે જેની ટોચ પર માતા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે.

ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે. આજે ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે.

ચામુંડા માતાજી ની પાવનકરી પ્રતિમાના દર્શન કરવા માટે દૂર દૂર થી ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.ચામુંડા માતાજી નો આ ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લ્લેખ પુરાણો માં છે.દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસો નો બહુ ત્રાસ હતો.

ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ ને પ્રાર્થના કરી કે તમે આ બે રાક્ષસો નો વધ કરો.તે જ સમયે હવનકુંડમાંથી તેજ સ્વરૂપે પ્રગટ થયા મહાશક્તિ અને તે જ મહાશક્તિ એ ચંડ અને મૂંડ નામના આ બે રાક્ષસો નો સંહાર કર્યો.બસ ત્યારથીજ આ માતાજી કહેવાયા ચંડી ચામુંડા. આજે તો અહીંયા એક ભવ્ય મંદિર છે પરંતુ આજ થી ૧૫૦ વર્ષ પહેલા આ મંદિર ની જગ્યાએ એક નાનો ઓરડો હતો. છતાં પણ અહીંયા લોકો આવતા હતા. તે સમયે અહીં પગથિયાં પણ ન હતા છતાં લોકો મહામહેનતે પર્વત પર ચડતા હતા અને માતાજીના દર્શન કરતા હતા.

આ મંદિરમાં માતા ચામુંડા દિવસ માં ત્રણ વખત સ્વરૂપ બદલે છે.બાલિકા સ્વરૂપ, વૃદ્ધા સ્વરૂપ અને કોપાયમાન સ્વરૂપ.ચામુંડા માતાજી અનેક જ્ઞાતિઓ ના લોકો ના કુળદેવી પણ છે જેમ કે ગોહિલ, દરબારો, સોલંકી, પરમાર ના માતાજી પણ આ ચામુડાં માતાજી છે. ચોટીલાના આ મંદિર માં જો તમે ધ્યાનથી જોશો તો ચામુંડા માં ના બે સ્વરૂપ તમને જોવા મળશે.માતાજીએ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો એટલે તેમના બે સ્વરૂપ અહીં બિરાજમાન છે.એક સ્વરૂપ છે ચંડી અને બીજું સ્વરૂપ છે ચામુંડાનું.માતાજીએ બે સ્વરૂપ ધારણ કર્યા હતા તેથી જ માતાજીની પ્રતિમા દ્વિમુખી છે.

ઘણા ઓછા લોકો આ જાણે છે કે દિવસ દરમિયાન હજારો ભાવિકો ચોટીલાના આ પર્વત પર અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે પરંતુ સાંજ પડતા જ આરતી પુરી થયા પછી તમામ લોકો એ ડુંગર ની નીચે ઉતરી જવું પડે છે.સામાન્ય લોકો જ નહિ પરંતુ મંદિર ના પુજારીને પણ આરતી પુરી થયા બાદ પર્વત ની નીચે ઉતરી જવું પડે છે. કારણ કે રાત્રી ના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી. માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહીત પાંચ વ્યક્તિઓને પર્વત પર રહેવાની મંજૂરી માતાજીએ આપી છે.

ભક્તો ચોટીલા તળેટી પરથી શ્રીફળ,ચુંદડી અને પ્રસાદ સહિતની પૂજા સામગ્રી લઈને જય માં ચામુંડાના નાદ સાથે ચોટીલાનો ડુંગર ચડવાની યાત્રા શરૂ કરે છે.ડુંગર ના પગથીયા હાલ 635 છે.જેને ચડવા ઉતરવા ની અલગ અલગ વ્યવસ્થા છે.દર 100 પગથીયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે.આ ઉપરાંત પગથિયા ઉપર છાપરા હોવાથી ઉનાળો અને ચોમાસામાં યાત્રીકોને તકલીફ પડતી નથી. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *