હાલ આપણા ભારતમાં અને ગુજરાતમાં લગ્નની સિઝન અને શિયાળાની ઋતુ ખૂબ જ ધૂમધામ થી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ લગ્ન નું ઘોડાપૂર આવ્યું હોય તેમ એક પછી એક લગ્ન થઈ રહ્યા છે. પરંતુ લગ્ન પ્રસંગને ઘર પરિવારના સભ્યો કંઈક અલગ રીતે યાદગાર બનાવતા હોય છે. આજના જમાનામાં લોકો લગ્ન પાછળ ખૂબ જ ખર્ચો કરી બેસતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાના લગ્ન પ્રસંગમાં એવું કાર્ય કરતા હોય છે કે,
જેને સાંભળીને સમાજમાં તેની વાહ વાહ થવા લાગતી હોય છે. એવો જ એક કિસ્સો હાલ સુરત જિલ્લામાં રહેતા બાબરીયા પરિવારમાંથી સામે આવ્યો છે. પરિવારના સભ્યોએ પોતાની દીકરીના લગ્ન હોય લગ્ન કંકોત્રીમાં એવું લખાવ્યું હતું કે જેને સાંભળીને સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો તથા સમાજમાં બાબરીયા પરિવારની વાહ વાહ થવા લાગી હતી. પહેલા તો બાબરીયા પરિવારે દીકરી ના લગ્ન માં ડિજિટલ લગ્ન કંકોત્રી છપાવી હતી.
શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય? લગ્ન પ્રસંગે આપણે ઉચ્ચ વર્ણની નકલ સમજ્યા વિના કરીએ છીએ. જિંદગીમાં ક્યારેય સાફો બાંધવાનો ન હોય, છતાં વરરાજા સાફો બાંધે છે. તૈયાર સાફામાં વરરાજા વિદૂષક જેવા લાગે છે.
વરરાજા તલવાર કે કટાર રાખે છે ! આ બધી સામંતી પ્રથા છે, જે લોકશાહી સમાજમાં બંધ બેસતી નથી. બીજું ઉપલો વર્ગ લગ્નપ્રસંગ જે રીતે ઉજવે છે તેની નકલ મધ્યમવર્ગ કરે છે; મધ્યમવર્ગની નકલ નીચલો મધ્યમવર્ગ અને ગરીબ કરે છે. તેથી વ્યાજખોરોનો ધંધો ચાલે છે.
આ દૂષણ દેખાદેખીના કારણે ટકેલું છે. મીઠાં લગ્નગીતોનું સ્થાન હલકા ફિલ્મી ગીતોએ લઈ લીધું છે. જાહેર રોડ પર કિંમતી વેશભૂષામાં ગરબા લેવાય છે. લગ્નપ્રસંગ વેળાએ ‘ઈવેન્ટ મેનેજર’ની ભૂમિકા વધી ગઈ છે; તેના કારણે લગ્નપ્રસંગ, ફિલ્મી/નાટકીય બની ગયો છે. શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?
રેશનાલિસ્ટ મિત્ર જનક બાબરિયાના બહેન ચિ. હેતલના લગ્ન 25 ડીસેમ્બર 2022ના રોજ સુરત મુકામે છે; તેનું આમંત્રણ કાર્ડ જોઈને આનંદ થયો. કાર્ડમાં નોંધ મૂકી છે “મંડપ મૂહુર્ત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે. ચાંદલા રોકડ વાસણ/વાસણ પેટે રોકડા/કવર/ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે. મામેરું /પાટ ઉઠામણ/જડ વાહવાની/ પહની પ્રથા બંધ રાખેલ છે.”
સમય સાથે લગ્નપ્રસંગમાં પણ ફેરફાર થવો જોઈએ આપણે શિક્ષિત થયા છીએ, વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા થયા છીએ, તે મુજબ સામાજિક પ્રસંગો ઊજવવા જોઈએ જૂની/બિન જરુરી રુઢિઓને તિલાંજલિ આપવી જોઈએ. લગ્ન એ દેખાડાનો પ્રસંગ ન બને તેની કાળજી લેવી જોઈએ. મામેરાની પ્રથા પણ અજુગતી લાગે છે; દેખાદેખીના કારણે મામા વ્યાજ ભરતા થઈ જાય છે!
આપણે ત્યાં ડીગ્રી ધારકો પણ અલગથી વિચારતા નથી. આગળથી ચાલી આવતી પ્રથાને અનુસરે છે. શિક્ષણ જો સમાજ વ્યવસ્થામાં પરિવર્તન ન કરી શકે, તો તેનો કોઈ અર્થ ખરો? આશા રાખીએ કે જનક બાબરિયાની માફક યુવાનો સામાજ પરિવર્તનની દિશામાં વિચારશે. ચિરંજીવી હેતલ અને હિરેનને અઢળક શુભેચ્છાઓ