૪૪ વર્ષની વણથંભી કન્યા કેળવણીને સમર્પિત યાત્રા, કન્યા કેળવણીને સમર્પિત યાત્રાની ઉજવણીમાં તાલુકા તથા જિલ્લાના શિક્ષણ જગતના….
ઈ.સ.૧૯૭૮ માં મહુવા તાલુકાના મોણપર ગામમાં શિક્ષણ યજ્ઞના ભેખધારી એવાં બે સંઘવી અને મહેતા પરીવાર દ્વારા કન્યા કેળવણી ની હિમાયત કરી કન્યા કેળવણીના ઉચ્ચ વિચારને સાર્થક કરવાના ઉમદા અને ભગીરથ હેતુ સાથે કન્યા કેળવણીનું બીજ રોપાયું.. જે સરકારશ્રીની ભાગીદારી અને ગ્રામજનોના સહકાર તથા શિક્ષકોના અથાક પ્રયાસ થકી આજે કેળવણીનું વટવૃક્ષ બનીને અનેક દિકરીઓના જીવનપથને અમી છાંયડો આપી રહ્યું છે..
શ્રી ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મહુવા તાલુકામાં આવેલ સંપ, શિસ્ત અને સમયપાલન ના ઉચ્ચ આદર્શોને ચરિતાર્થ કરતી તથા શિક્ષણ સાથે જીવનસાધ્ય સંસ્કાર મૂલ્યોને બાળકમાં સિંચન કરતી શાળા શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા તારીખ.૨૭/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ પોતાની શૈક્ષણિક યાત્રાના ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે.
ત્યારે દાતાશ્રીઓ ,શાળા પરીવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, અને સમસ્ત મોણપર ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે આ વણથંભી અને અવિરત ચાલતી કન્યા કેળવણીની પરંપરારૂપ અવસરને હૃદયના ઉમળકા સાથે “શાળાએ પાડ્યો છે સાદ એવા સાર્થક શિર્ષક નીચે વિવિધ કાર્યક્રમોના સમન્વય થકી ઉજવવાનું સુંદર આયોજન કરેલ છે.
જેમાં દિપક પ્રજ્વલિત કરી કેક કાપીને શાળાના જન્મદિવસને વધાવવો દાતાશ્રીઓ અને અતિથિઓને ખાદીના રૂમાલથી સ્વાગત-સન્માન હાલ શાળામાં અભ્યાસ કરી રહેલી ધોરણ ૧ થી ૮ ની તમામ દીકરીઓના માતા-પિતાને શાળાના પ્રાંગણમાં જ તેમની દીકરીઓના હસ્તે
વિધિવત પૂજન સાથે માતૃ-પિતૃ વંદના આ જ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનિઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને વર્તમાન સમયમાં કોઈ હોદ્દા પર પોતાની ફરજ બજાવી રહી છે તેવી તમામ દિકરીઓને શાળામાં આવકારી ‘કર્મશીલ એવોર્ડથી સન્માન, વાલીશ્રીઓનું વિશાળ સંમેલન,સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વરૂચી અલ્પાહાર જેવાં વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરી સુંદર આયોજન કરેલ છે..
આ કન્યા કેળવણીને સમર્પિત યાત્રાની ઉજવણીમાં તાલુકા તથા જિલ્લાના શિક્ષણ જગતના આગેવાનશ્રીઓ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, દાતાશ્રીઓ,અતિથિશ્રીઓ, શાળા પરીવારના સારસ્વત ગુરુજનો,શાળાની વ્હાલી લાડકડી દિકરીઓ તથા સમસ્ત મોણપર ગ્રામજનોની સહિયારી ભાગીદારી અને પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમને સાર્થક કરી દિપાવશે તેવી માં શારદાના ચરણોમાં પ્રાર્થના અહેવાલ.મુકેશ એસ વાઘેલા