સિંહ,સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં આન-બાન-શાન સાથે ઉજવણી.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પરેડ નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લાની જનતાનું અભિવાદન ઝીલ્યું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.ધ્વજને સલામી બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું.આ તકે વોલિ ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો.
હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે,ત્યારે આજે આઝાદીની કાળના મહત્વપૂર્વ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ ૨૫ પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી.આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા.આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો.
શૌર્યની ભૂમિ પર ભારતીય તટ રક્ષક દળ,બોર્ડર સિક્યુરિટી ફોર્સ,મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ,ચેતક કમાન્ડો ફોર્સ-ગાંધીનગર,ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ,SRP જૂથ-૮ ગોંડલ,SRP જૂથ ૨૧ બાલાનીવાવ,ગુજરાત જેલ વિભાગ,પોરબંદર જિલ્લા પોલીસ,ગીર સોમનાથ જિલ્લા પોલીસ,અમરેલી જિલ્લા પોલીસ,ભાવનગર જિલ્લા પોલીસ,રાજકોટ શહેર મહિલા પોલીસ,જૂનાગઢ જિલ્લા પોલીસ-મહિલા,રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ- મહિલા,ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન,રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ,જૂનાગઢ હોમગાર્ડસ,જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ(GRD),NSS શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન,જૂનાગઢ જિલ્લા NCC,જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC),એસ.આર.પી.બ્રાસબેન્ડ,ગુજરાત અશ્વદળ,ગુજરાત શ્વાનદળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી,જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું.ગાંધીનગર એ.એસ.પી.અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી.
આજની પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા.જૂનાગઢ જિલ્લા પોલીસ,રાજકોટ શહેર પોલીસ,રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ,ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.ઉપરાંત ૨૦ જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ૧૫ જેટલી વિદ્યાર્થિનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી.
હાલમાં જ યૂનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોકનૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.મણીયારો,ટીપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદનથી ઝૂમી ઊઠ્યા હતા.આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં ચાર પ્રોફેશનલ ગ્રુપ રાજપુત રાસ મંડળ-બાટવા,ભવાની ટિપ્પણી લોકનૃત્ય-ચોરવાડ,બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ-માળીયા હાટીના અને ક્ષત્રિય રાજપુત લીંમડા ચોક રાસ મંડળ-માળિયા હાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની ૯ શાળાના ૯ જૂથે પણ ભાગ લીધો હતો.કુલ મળીને ૧૫૬ વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ૪ જૂથના ૫૬ કલાકારો મળીને કુલ ૨૧૨ લોકોએ વિવિધ કૃતિઓને રજૂ કરી હતી.
રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા.જેમાં એકભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મધ્યપ્રદેશ બી.એસ.એફ.ની પ્લાટૂનને ઈનામી ટ્રોફી એનાયત કરાઈ હતી.પ્લાટૂનના રવિ નારાયણ મિશ્રાએ આ ટ્રોફી ગ્રહણ કરી હતી.ચેતક,મરીન,એસ.આર.પી.,પોલીસ પુરુષ,જેલ વિભાગ શ્રેણીમાં ગુજરાત જેલ વિભાગની પ્લાટૂનના શ્રી જે.એચ. રાઠોડને પ્રથમ રનિંગ ટ્રોફી એનાયત કરાઈ હતી.મહિલા પોલીસ વાન,વન વિભાગ,ટ્રાફિક,ડોગ,અશ્વ,બેન્ડ શ્રેણીમાં બેન્ડ પ્લાટૂનના શ્રી.એ.બી.શિન્દેને દ્વિતિય રનિંગ ટ્રોફી એનાયત કરાઈ હતી.માનદ સેવા-સ્કૂલ-સંસ્થા અંતર્ગત એન.એસ.એસ.પ્લાટૂનની કુ.તૃપ્તિ મિશ્રાને તૃતિય રનિંગ ટ્રોફી એનાયત કરી હતી.જ્યારે મહિલા કોરિયોગ્રાફી ઈવેન્ટ તૈયાર કરનારા કોરિયોગ્રાફર પોલીસ કોન્સ્ટેબલ શ્રી અશ્વિનભાઈ ઝાપડીયા,મોટર સાયકલ સ્ટંટ શો ટીમના શ્રેષ્ઠ રાયડર શ્રી દેવીલાલ રોત,ડોગ શોના શ્રેષ્ઠ હેન્ડલર શ્રી નાનુભા જાડેજા-અમદાવાદ શહેર,અશ્વ શોના શ્રેષ્ઠ અસવાર શ્રી ઈશ્વરસિંહ રાઠોડ–પીએસઆઈ-મહેસાણાને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ,જુનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા,મુખ્ય સચિવ શ્રી રાજકુમાર,અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી મુકેશ પુરી,પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય,અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની,પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ના કમિશનર કમિશનર શ્રી આલોક પાંડે,માર્ગ મકાન વિભાગના સચિવ શ્રી એ.કે.પટેલ,અધિક સચિવ પ્રોટોકોલ શ્રી જવલંત ત્રિવેદી,આઈજી શ્રી નિલેશ જાજડીયા,કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ,મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના,જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા,સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.