ભવાન પટેલના છઠ્ઠી પેઢીના વારસદારે પેઢીમાં રહેલી સત્ય, સમર્પણ અને સંસ્કૃતિની સુવાસને ગુજરાતભરમાં ફેલાવી
સુરતની નારીશક્તિને મળ્યું ગુજરાતનું સર્વોચ્ય સન્માન
શીલ, ચારિત્ર્ય અને સંસ્કૃતિ જેની વાણીમાં ભારોભાર વહે છે તેવા ડૉ. અંકિતાબેન મુલાણી સૌથી મોટી ધનરાશિ ધરાવતો ગુજરાત સાંસ્કૃતિક યૌધ્ધા પુરસ્કાર 2023 થી ખૂબ નાની ઉંમરમાં પોંખાયા.
તા. 29/10/2023 ને રવિવારના રોજ ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે સેવ કલ્ચર સેવ ઈન્ડીયા તથા ગુજરાત સંગીત અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો “ગુજરાત સાંસ્કૃતિક યૌધ્ધા પુરસ્કાર- 23” સુરતના નામાંકીત લેખક અને પ્રેરણાત્મક વક્તા ડૉ. અંકિતાબેન મુલાણીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સેવ કલ્ચર સેવ ઇન્ડિયાના ફાઉન્ડર શ્રી ઉદય મહુરકર તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરા તથા અન્ય માનનીય મહાનુભાવોના વરદ હસ્તે રૂ. એક લાખની રાશિનો પુરસ્કાર અને સ્મૃતિ ચિન્હ સાથે ગૌરવભેર એનાયત કરવામાં આવ્યો છે.
ડૉ. અંકિતા ને વડીલો તરફથી બાળપણથી મળેલા સંસ્કાર અને સાસરિયે આવીને પોતાની ક્ષમતાને વિકસાવવા મળેલું અવકાશ આ એવોર્ડનું મૂળભૂત કારણ રહ્યું છે.
નાનેથી જ અનેક પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળીને મોટા થયેલા અંકિતાબેન ક્યારે વાર્તાઓ લખતા અને સંભળાવતા થઈ ગયા તેની પરિવારમાં પણ કોઈને જાણ નહોતી. શાળા કૉલેજમાં પણ વાર્તા લેખન, કાવ્ય લેખન અને અનેકવિધ સ્પર્ધાઓમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગ્ર ક્રમાંકે રહ્યા છે.
આ સન્માન માત્ર અંકિતાબેનનું જ સન્માન નથી પરંતુ ગુજરાતની દરેક વહુ અને દીકરીનું સન્માન છે. જેના સપનાની પાંખોને ફુટતા જ કાપી નાખવામાં આવી હોય, જેને હંમેશા સામાજિક મયાર્દાઓથી બાંધીને ઘરમાં જ પૂરી રાખવામાં આવતી હોય, અને ખાસ કરીને એવા ક્ષેત્રમાં જ્યાં રાત્રિ પ્રોગ્રામો અને પુરુષોની વચ્ચે રહીને કામ કરવાનું હોય. ઘણી જગ્યાએ દીકરી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ થતો હોય ત્યાં વહુને ડગલે ને પગલે શંકાની નજરે જોવામાં આવે છે. પ્રસિધ્ધિ મેળવવા ટુંકા વસ્ત્રોની ક્યાં જરૂર છે તમારા સરળ, સાત્વિક અને સમાજ ઉપયોગી વિચારો જ સામે વાળાના દિલને જીતી લે છે.
ડૉ. અંકિતાબેન મુલાણી બે જુડવા દીકરીઓની માતા છે. આદર્શ માતાની સાથે સાથે આદર્શ દીકરી, વહુ, પત્ની, ગૃહિણી અને આદર્શ પ્રતિભાવાન સ્ત્રીનું જીવંત ઉદાહરણ છે. પરિવારમાં એક મનોદિવ્યાંગ બા ની પણ ખૂબ સંભાળ રાખે છે. સૌનો સમય સાચવતા સાચવતા રાત દિવસ એક કરીને તેમની મહેનત આજે રંગ લાવી છે. અડધી રાતના ઉજાગરા અને સંઘર્ષ થકી આજે ગૌરવવંતા પુરસ્કારને લાયક બન્યા છે.
તેમણે સહિયારા લખેલા આઠ પુસ્તકો અને સ્વતંત્ર લખેલા બે પુસ્તકો “વારસદાર” અને “ત્રણ દાયકાની જિંદગી” માં પણ સત્યકથાઓ દ્વારા સંસ્કૃતિની વાતો આલેખી છે. નાનકડી નાનકડી વાર્તાઓ “અંકિતાની વાતો” થકી લોકચાહના પામેલા ડૉ. અંકિતાબેન મુલાણી આજે માત્ર સુરતનું જ નહિ પણ ગુજરાતનું ગૌરવ બન્યા છે. આજે તેમના સોશિયલ મીડિયામાં દોઢ લાખ ફોલોવર્સ સાથે તેમની વાતો મિલિયન લોકો સંભાળે છે.
ગામડામાં ઉછરેલી, હાથમાં કુવાડી, કોદાળી અને કલમ પકડીને મજબૂત થયેલી, સરકારી શાળામાં ભણેલી, સામાન્ય પરિસ્થિતિમાં જીવેલી, અને માત્ર પરિવારના સભ્યોની સગવડતા સચવાય એટલા માટે પોસ્ટ ગ્રેજ્યુંએટ થયેલી અમરેલીના ધારગણી ગામની દીકરી અને ભાવનગરના સમઢિયાળા મુલાણી પરિવારની પુત્રવધૂ એ આજે સાબિત કર્યું છે કે સદાચાર, સદભાવ, ઊજળું ચારિત્ર્ય અને સંસ્કૃતિ જેના હૈયે ધબકતી હોય તેની સંઘર્ષ યાત્રા ક્યાં સુધી પહોંચી શકે.
દાયકાઓ અગાઉ ધારગણીના ભવાન પટેલે એક અલૌકિક ઈતિહાસ રચ્યો હતો, આજે વર્ષો પછી તેની છઠ્ઠી પેઢીની વારસદાર દીકરીએ સૌથી નાની ઉંમરે અને પ્રથમ પાટીદાર સમાજની મહિલા તરીકે ગુજરાત સાંસ્કૃતિક યૌધ્ધાનું ગૌરવ અપાવ્યું એ બદલ આખા દેશ તરફથી તેને વધામણા.